સારસ્વતમ્ સંસ્થાનાં ૫૦ વર્ષની ઉજવણી

સારસ્વતમ્ સંસ્થાનાં ૫૦ વર્ષની ઉજવણીનો રમતોત્સવથી થયેલા શ્રીગણેશ…

કચ્છની અગ્રીમ ગ્રામીણ કેળવણી સંસ્થા સારસ્વતમ્ ને ૫૦મું વર્ષ ચાલી રહ્યું હોવાથી તેની ઉજવણીનાં ભાગરૂપે પ્રથમ ચરણમાં સારસ્વતમ્ ની ૨૦ માધ્યમિક / ઉચ્ચ. માધ્યમિક શાળાઓ વચ્ચે એક રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન અનુક્રમે તા. ૧૫/૧૨/૨૦૧૮ અને તા. ૨૨/૧૨/૨૦૧૮ નાં રોજ મસ્કા તથા માંડવી મુકામે યોજવામાં આવ્યું હતું.

પ્રથમ ચરણની શરૂઆત મસ્કા હાઇસ્કૂલનાં મેદાન પર સારસ્વતમ્ ની શાળાઓ વચ્ચે કબડ્ડી અને ખો-ખો સ્પર્ધાઓનું આયોજન કુમાર / કન્યા અને માધ્યમિક / ઉચ્ચ. માધ્યમિક વિભાગો પાડીને કરવામાં આવ્યું હતું જેને ગ્રામીણ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો હતો.

પ્રથમ તબક્કાની ખો-ખો અને કબડ્ડી સ્પર્ધાઓનું મંગલાચરણ સંસ્થાનાં અધ્યક્ષા વિજયલક્ષ્મી શેઠ, માનદ્દમંત્રી શિવદાસભાઈ પટેલ, મસ્કાનાં સરપંચ કિર્તી ગોર તથા વાલી મંડળનાં અધ્યક્ષા શિલ્પાબેન નાથાણીની ઉપસ્થિતિમાં કરાયું હતું.

પ્રમુખ સ્થાનેથી બોલતા વિજયલક્ષ્મી શેઠે જણાવ્યું હતું કે, ૫૦ વર્ષની લાંબી મંજિલ સંસ્થાએ કાપી છે અનેક ચડતી – પડતીઓ જોઈને અને પૂર્વજોએ રોપેલ બીજ વટવૃક્ષ બન્યું છે અને શિક્ષણની યાત્રા અવિરત પણે ચાલુ રહી છે. આજે ૫૦ મા વર્ષે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોતાં અમારામાં કાર્ય કરવાની વધુ ઉર્જા પેદા થાય છે.

માનદ્દમંત્રીશ્રી શિવદાસભાઈએ સૌ બાળકોને આર્શીવચન પાઠવીને સંસ્થાની અવિરત પ્રગતિ માટે સ્થાપકોને સંભાર્યા હતા.
સરપંચ કિર્તી ગોર અને શિલ્પાબેન નાથાણીએ ખેલાડીઓને ખેલદિલીની ભાવનાથી રમવા અને સુંદર આયોજન બદલ સારસ્વતમ્ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

• કબડ્ડી માધ્ય. વિભાગ બહેનોમા વિજેતા – નિરોણા હાઇસ્કૂલ (તા. નખત્રાણા)
• કબડ્ડી માધ્ય. વિભાગ બહેનોમા રનર્સ અપ – મસ્કા હાઇસ્કૂલ (તા. માંડવી)
• કબડ્ડી ઉચ્ચ. માધ્ય. વિભાગ બહેનોમા વિજેતા – નિરોણા હાઇસ્કૂલ (તા. નખત્રાણા)
• કબડ્ડી ઉચ્ચ. માધ્ય. વિભાગ બહેનોમા રનર્સ અપ – મસ્કા હાઇસ્કૂલ (તા. માંડવી)
• કબડ્ડી માધ્ય. વિભાગ ભાઈઓમા વિજેતા – નિરોણા હાઇસ્કૂલ (તા. નખત્રાણા)
• કબડ્ડી માધ્ય. વિભાગ ભાઈઓમા રનર્સ અપ – દયાપર હાઇસ્કૂલ (તા. લખપત)
• કબડ્ડી ઉચ્ચ. માધ્ય. વિભાગ ભાઈઓમા વિજેતા – મોથાળા હાઇસ્કૂલ (તા. અબડાસા)
• કબડ્ડી ઉચ્ચ. માધ્ય. વિભાગ ભાઈઓમા રનર્સ અપ – દયાપર હાઇસ્કૂલ (તા. લખપત)
• ખો-ખો માધ્ય. વિભાગ બહેનોમા વિજેતા – નલિયા કન્યા વિદ્યાલય (તા. અબડાસા)
• ખો-ખો માધ્ય. વિભાગ બહેનોમા રનર્સ અપ – મસ્કા હાઇસ્કૂલ (તા. માંડવી)
• ખો-ખો ઉચ્ચ. માધ્ય. વિભાગ બહેનોમા વિજેતા – નેત્રા હાઇસ્કૂલ (તા. નખત્રાણા)
• ખો-ખો ઉચ્ચ. માધ્ય. વિભાગ બહેનોમા રનર્સ અપ – મસ્કા હાઇસ્કૂલ (તા. માંડવી)
• ખો-ખો માધ્ય. વિભાગ ભાઈઓમા વિજેતા – મસ્કા હાઇસ્કૂલ (તા. માંડવી)
• ખો-ખો માધ્ય. વિભાગ ભાઈઓમા રનર્સ અપ – મંજલ હાઇસ્કૂલ (તા. નખત્રાણા)

એ જ રીતે બીજા ચરણમા સારસ્વતમની તમામ ગ્રામીણ શાળાઓ વચ્ચે માંડવીનાં કોલેજ ગ્રાઉન્ડ તથા માંડવી પાંજરાપોળ નાગલપુર વાડી વિસ્તારનાં મેદાનોમાં ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કચ્છ યુનિવર્સીટીનાં વાઈસ ચાન્સેલર શ્રી સી. બી. જાડેજા તથા સંસ્થાનાં માનદ્દમંત્રી શિવદાસ પટેલ તથા માંડવી કોલેજનાં પ્રિન્સીપાલ ડૉ. મહેશ બારડનાં આતિથ્યમાં યોજાયો હતો. આ ઉદ્દઘાટન પ્રસંગે શરૂઆતમાં સંસ્થાનાં ટ્રસ્ટી કૈલેશ દોશીએ સૌને આવકાર્યા હતા અને સંસ્થાની વિવધ પ્રવૃતિઓનો આછેરો ખ્યાલ આપ્યો હતો.

ચેમ્બરનાં પ્રમુખ વાડીલાલ દોશીએ સંસ્થાની ગ્રામીણ વિસ્તારની શૈક્ષણીક પ્રવૃતિઓને નમન કરતાં જણાવ્યું કે, ૫૦ વર્ષ સુધી ગામડાઓમાં ટકી રહેવું કઠિન છે પરંતુ સંચાલકોની દીર્ઘ દ્રષ્ટીને બિરદાવી હતી.

સંસ્થાનાં મંત્રી શ્રી શિવદાસ પટેલ જણાવ્યું હતું કે, સંસ્થાનાં સ્થાપકો વચ્ચે મુંદરા જાંબુવાડીમાં સ્વ. તુલસીદાસ શેઠ, ઝુમખલાલ મહેતા, પ્રેમજી ભવાનજી ઠક્કરનાં બે દિવસનાં મનોમંથન બાદ ગામડાઓને બેઠું કરવું હશે તો શિક્ષણ અનિવાર્ય છે અને પ્રાથમિક શિક્ષણ રાજ્ય સરકારની જવાબદારી છે પરંતુ પછાત ગામડાઓમાં માધ્યમિક શિક્ષણની શરૂઆત કરીએ અને સારસ્વતમનું સર્જન કર્યું અને અસંખ્ય વિદ્યાર્થીઓ સંસ્થાની મૂડી બનીને સમાજમાં અદકેરું સ્થાન જમાવી ચુક્યા છે.

કચ્છ યુનિવર્સીટીનાં વાઈસ ચાન્સેલર શ્રી જાડેજાએ પોતાની રોચક શૈલીમાં જણાવ્યું કે, માધ્યમિક શિક્ષણનો ભાર કચ્છમાં સારસ્વતમએ ખાસ્સો ઉપાડ્યો છે. ભુજની વર્કિંગ વિમેન હોસ્ટેલ સ્થાપીને આજના યુગની જરૂરિયાત પણ કચ્છમાં પૂર્ણ કરી છે. દિવંગત તુલસીદાસ શેઠ, ઝુમખલાલ મહેતા, પ્રેમજી ભવાનજી, પ્રો. કે. ટી. શાહ, શ્યામજી કૃષ્ણ વર્મા, અનંત દવે વિ. નાં જીવન – કવનમાંથી વિદ્યાર્થીઓએ પ્રેરણા લઈને આવા સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઈએ. હાલના મંત્રીશ્રી શિવદાસ પટેલ જીવનનાં નવમા દસકે પણ આટલી સ્ફૂર્તિથી કાર્ય કરી રહ્યા છે તે સૌ માટે અનુકરણીય બાબત છે. વિદ્યાર્થીઓ પણ શિક્ષણની સાથે આવી સહભ્યાસિક પ્રવૃતિઓમાં ભાગ લે તો તેમનાં જીવન ઘડતરમાં ચોક્કસ સુધારો આવે છે અને સારસ્વતમ પરિવારને શિક્ષણયાત્રા માટે અભિનંદન પાઠવ્યા હતા.

અતિથિ વિશેષ ડૉ. મહેશ બારડે સારસ્વતમની શૈક્ષણીક પ્રવૃતિઓને બિરદાવી હતી અને કૉલેજ ગ્રાઉન્ડ પર પસંદગી ઢોળવા બદલ અભિનંદન પાઠવી રાજીપો વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સંસ્થાનાં ટ્રસ્ટી શ્રી મનુભા જાડેજા, કૈલેશ દોશી, ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, મરચન્ટ એસોસિએશન પ્રમુખ પારસ સંઘવી, ચેમ્બરનાં ખજાનચી ચંદ્રસેન કોટક, જીમખાના મંત્રી શિવજી આહિર, જીમખાના ઉપપ્રમુખ શૈલેશ મડિયાર, સિનિયર સિટીઝન ફોરમનાં હાસમ મેમણ, રમણીક રાયચંદાણી, જાયન્ટ્સનાં ડી. કે. પંચાલ, વી.આર.ટી.આઈ. નાં ગોરધન પટેલ, જગદીશસિંહ જાડેજા, રોટરીનાં પૂર્વ ગવર્નર ડૉ. હર્ષદ ઉદેશી, સેનેટ સભ્ય દેવાંગ દવે, દિનેશ બેદી, કૌશિક ગોકુલગાંધી, લિનેશ શાહ, પ્રજ્ઞા પોપટ, પ્રવિણ પોપટ, જગદીશ સોલંકી, સંજય શ્રીવાસ્તવ, મિહિરસેન જાડેજા, મયુર રાવલ વિ,. ઉપસ્થિત રહ્યા હતા.

ક્રિકેટ સ્પર્ધા માધ્ય. વિભાગમાં મસ્કા હાઇસ્કૂલ (તા. માંડવી) વિજેતા તથા રનર્સઅપ કોડાય હાઇસ્કૂલ (તા. માંડવી) તથા ઉચ્ચ. માધ્ય. વિભાગમાં વિજેતા તરીકે કોડાય હાઇસ્કૂલ (તા. માંડવી) તથા રનર્સ અપ તરીકે નેત્રા હાઇસ્કૂલ (તા. નખત્રાણા) રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન વહીવટી અધિકારી મુલેશ દોશી અને આભારવિધી રમત-ગમત કન્વીનર શાંતિલાલ પટેલે કરી હતી. અન્ય વ્યવસ્થા નિતા દોશી, ક્રિષ્ના માકાણી, મયુરી રાજગોર, કામિની ભોજક, તરૂણ ત્રિવેદી, દેવેન્દ્ર વ્યાસ તથા મસ્કા હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓએ સંભાળી હતી.