સારસ્વતમએ ઉજવ્યો અનેરો સાંસ્કૃતિક કાર્યક્રમ

છેલ્લા ૫૦ વર્ષોથી કચ્છનાં પછાત ગ્રામીણ વિસ્તારોમાં વીસ જેટલી શાળાઓનું સંચાલન કરતી કચ્છની મધ્યવર્તી શૈક્ષણીક સંસ્થાએ પોતાની સ્થાપનાનાં ૫૦ મું વર્ષ અનેરી રીતે ઉજવી રહી છે.

કોડાયની સારસ્વતમ્ સંચાલિત પ્રેમસુબોધ નવનીત હાઇસ્કૂલનાં પટાંગણમાં સંસ્થાનાં અધ્યક્ષા વિજયલક્ષ્મી શેઠનાં અધ્યક્ષ પદે અને વરિષ્ઠ પત્રકાર શ્રી દિપકભાઈ માંકડ અને અન્ય ટ્રસ્ટીગણનાં મુખ્ય અતિથિપદે આ અનેરો કાર્યક્રમ યોજાયો હતો.

સારસ્વતમની વીસ શાળાઓ વચ્ચે (૧) કમ્પ્યુટર જ્ઞાન સ્પર્ધા (૨) નાટ્ય સ્પર્ધા (૩) એકપાત્રીય અભિનય સ્પર્ધા (૪) સમૂહ લોકનૃત્ય સ્પર્ધા (૫) સોલો ડાન્સ (૬) ગાયન સ્પર્ધા (૭) શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા (૮) ચિત્રકામ સ્પર્ધા અને (૯) વાર્તા કથનનું આયોજન કરાયું હતું. જેમાં લગભગ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.

આ સ્પર્ધાઓમાંથી ચિત્રકામ સ્પર્ધામાં ભાનુશાલી ફોરમ (પ્રથમ, નલિયા કન્યા વિદ્યાલય), મોતા હાર્દિક વી. (દ્વિતીય, મસ્કા હાઇસ્કૂલ) અને પટેલ હસ્તી પ્રફુલ્લભાઈ (તૃતીય, દયાપર હાઇસ્કૂલ), વાર્તા કથન સ્પર્ધામાં પ્રથમ ક્રમે જોશી નંદિની સમીરભાઈ (નેત્રા હાઇસ્કૂલ), સોલો ડાન્સ સ્પર્ધામાં પ્રથમ ક્રમે જુણેજા મુસ્કાન ઈશા (દરશડી હાઇસ્કૂલ), શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી ગઢવી દેવરાજ કે. (ગુંદાલા હાઇસ્કૂલ પ્રથમ ક્રમે), ગઢવી ક્રિષ્ના એન. (દ્વિતીય ક્રમે, બાડા હાઇસ્કૂલ), તથા ઉચ્ચ. માધ્યમિક વિભાગમાંથી પ્રથમ ક્રમે વંદના કટારીયા (મોથાળા હાઇસ્કૂલ), ગાયન સ્પર્ધામાં રબારી ભાવિકા – પ્રથમ (દરશડી હાઇસ્કૂલ), સોઢા હિંમતસિંહ કે. (દ્વિતીય, કોટડા ચકાર હાઇસ્કૂલ), મહેશ્વરી જલ્પા એમ. (તૃતીય, મંજલ હાઇસ્કૂલ), સમૂહ લોકનૃત્ય સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી નલિયા કન્યા વિદ્યાલય ગ્રુપ – પ્રથમ ક્રમે જ્યારે મંજલ હાઇસ્કૂલનું ગ્રુપ દ્વિતીય ક્રમે, ઉચ્ચ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે કોટડા રોહા હાઇસ્કૂલનું ગ્રુપ જ્યારે દયાપર હાઇસ્કૂલનું ગ્રુપ દ્વિતીય ક્રમે, એકપાત્રીય અભિનય સ્પર્ધામાં આયર મિતલ રતા – નિરોણા હાઇસ્કૂલ પ્રથમ ક્રમે, કમ્પ્યુટર જ્ઞાન સ્પર્ધામાં સોમેશ્વર ભવ્ય કૌશિકભાઈ – કોડાય હાઇસ્કૂલ પ્રથમ ક્રમે રહ્યા હતા.

આ અલગ-અલગ સ્પર્ધાઓ માટે કચ્છભરમાંથી અલગ-અલગ વિષયનાં તજજ્ઞોને બોલાવીને નિર્ણાયક માટેની ભૂમિકા સોંપવામાં આવી હતી. બોલીવુડ સાથે સંકળાયેલા કચ્છનાં દિગ્ગજ કલાકાર પ્રકાશ શુક્લા, પૂર્ણિમા શુક્લા, સંજય ઠાકર, હિના સંઘવી, ડૉ. મિનાક્ષી ચુડાસમા, રાજુ દિપ્તી, દિપ્તીબેન રાજુ, સુલતાન મીર, દુલારી ઠક્કર, પાર્થ શાહ, શિતલ બુધ્ધભટ્ટી, ક્રિષ્ના માકાણી, મહેશ મોતા વિ. એ નિર્ણાયકો તરીકેની ભૂમિકા ભજવી હતી.

પ્રકાશ શુક્લાએ વિદ્યાર્થીઓને જ્ઞાન – ગમ્મત સાથે એક્ટીંગની ટીપ્સ આપી હતી, ગભરાટ વગર પોતાનું કૌવત બતાવવું, સ્ટેજની ઉપર હો ત્યારે પીઠ ન બતાવવી જોઈએ, જેવા અનુભવી સુચનો કર્યા હતા. જાણીતા ડાન્સર – કોરિયોગ્રાફર પાર્થ શાહે તમામ સમૂહ લોકનૃત્યવાળા ગ્રુપોને સુંદર ટીપ્સ આપી હતી. ફોરમેશન, કોરિયોગ્રાફી, સ્ટેપસ, પ્રોપટીઝનો ઉપયોગ, ડ્રેસની પસંદગી, ગીતની પસંદગી વિશેની સમજ આપી હતી. સોલો ડાન્સમાં પ્રથમ આવેલી જુણેજા મુસ્કાન ઈશાનું નૃત્ય જોઈને કહ્યું હતું કે, ટી.વી. શોમાં પણ ઉત્કૃષ્ટ તાલીમ પામેલા કલાકારો પણ આવી સુંદર કૃતિ રજૂ કરી શકતા નથી પરંતુ ગ્રામીણ વિસ્તારની આ દિકરી પાસે અદભૂત કલા છે જેને હું નમન કરું છું.

વિજેતાઓને પ્રમુખ વિજયલક્ષ્મી શેઠ, દિપક માંકડ, શિવદાસ પટેલ, રાજુ દિપ્તી, નિતીન ઠક્કર, નલિની ઠક્કર, નર્મદાબેન ઠક્કર, કોડાય સરપંચશ્રી કાનજીભાઇ વિ. એ અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

સમગ્ર સંચાલન વહીવટી અધિકારી મુલેશ દોશી તથા આભારવિધી પ્રભાતસિંહ સોલંકી – આચાર્યશ્રી કોડાય હાઇસ્કૂલ એ કરી હતી. સારસ્વતમ કોડાય હાઇસ્કૂલ પરિવાર – વિદ્યાર્થીઓ તથા સારસ્વતમ્ મધ્યસ્થ કાર્યાલય પરિવારે સફળતા માટે જહેમત ઉઠાવી હતી.